Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hebrews 11 >> 

1હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.

2કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી.

3વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, 'ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયુ છે અને જે દ્રશ્ય છે, તે અદૃશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.

4વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ અર્પણ ઈશ્વરને કર્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે.

5વિશ્વાસથી હનોખને ઉપર લઇ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદૃશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે 'ઈશ્વર તેન પર પ્રસન્ન હતા.'

6પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.

7નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબના ઉધ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે જગતને અન્યાયી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો.

8ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યા છતાં વિશ્વાસથી તે રવાના થયો.

9વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા.

10કેમ કે જે શહેરનો પાયો છે, જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.

11વિશ્વાસથી સારા પણ વૃધ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા સામર્થ્ય પામી; કેમ કે જેણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા.

12એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલા તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલા લોક ઉત્પન્ન થયા.

13એ સઘળા વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને વચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ.

14કેમ કે એવી વાતો કહેનારા સ્પષ્ટ જણાવે છે કે, તેઓ વતનની શોધ કરે છે.

15જે દેશમાથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત.

16પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતાં શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે.

17ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઇસહાકનું બલિદાન આપ્યું; એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે,

18'ઇસહાકથી તારો વંશ ગણાશે,' તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું.

19કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનના ઉદાહરણ પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.

20વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેના સબંધી યાકૂબ અને એસાવને આશીર્વાદ આપ્યો.

21વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું.

22વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયલના સંતાનના નિર્ગમન વિષેની વાત સંભળાવી અને પોતાનાં અસ્થી સંબંધી સૂચના આપી.

23વિશ્વાસથી મૂસાનાં માતાપિતાએ તેના જન્મ્યા પછી ત્રણ મહિના સુધી તેને સંતાડી રાખ્યો; કેમ કે તેઓએ જોયું, કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયાં નહિ.

24વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો.

25પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું.

26મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપતિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.

27વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો; અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહિ. કેમ કે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ દૃઢ રહ્યો.

28વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા લોહી છાંટવાની પ્રથા નિયત કરી, જેથી પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને સ્પર્શ કરે નહિ.

29વિશ્વાસથી તેઓ જેમ કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા.

30વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ સુધી પ્રદક્ષિણા કર્યાં પછી તે પડી ગયો.

31વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી યરીખોના અનાજ્ઞાકિતોની સાથે તેનો નાશ થયો નહિ.

32એનાથી વધારે શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી.

33તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, વચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં,

34અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધા.

35વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રીબાઈ રીબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ પુનરુત્થાન પામે;

36બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પુરાયાથી પીડિત થઈને પરખાયા.

37તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તરવારની ધારથી માર્યા ગયા, ઘેટાંના તથા બકરાંનાં ચામડાં પહેરીને ફરતાં રહ્યા. તેઓ કંગાલ, રિબાયેલા તથા પિડાયેલા હતા;

38(જગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું,) તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.

39એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને વચનનું ફળ મળ્યું નહિ.

40કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Hebrews 11 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran