Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Judges 10 >> 

1અબીમેલેખ પછી, ઇસ્સાખારના કુળનો દીકરો, પૂઆનો દીકરો ડોડોનો તોલા, ઇઝરાયલને ઉગારવા આગળ આવ્યો.

2તે એફ્રાઈમના પહાડી પ્રદેશના શામીરમાં રહેતો હતો, તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીરમાં દફનાવાયો.

3તે પછી ગિલ્યાદી યાઈર આગળ આવ્યો. તેણે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.

4તેને ત્રીસ દીકરા હતા. તેઓ ગધેડા પર સવારી કરતા હતા, તેઓ પાસે ત્રીસ શહેરો હતાં, કે જે આજ દિવસ સુધી હાવ્વોથ-યાઈર કહેવાય છે, જે ગિલ્યાદ દેશમાં છે.

5યાઈર મરણ પામ્યો અને કામોનમાં દફનાવાયો.

6ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું તેઓએ બાલિમ, આશ્તારોથ, અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્મોનીઓના દેવો તથા પલિસ્તીઓના દેવોની પૂજા કરી. તેઓએ ઈશ્વરનો ત્યાગ કર્યો અને લાંબા સમય સુધી તેમની ઉપાસના કરી નહિ.

7તેથી ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગ્યો. તેમણે પલિસ્તીઓ તથા આમ્મોનીઓના હાથે તેઓને હરાવી દીધા.

8તેઓએ તે વર્ષે ઇઝરાયલના લોકોને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો, યર્દનને પેલે પાર અમોરીઓનો દેશ જે ગિલ્યાદમાં છે ત્યાંના ઇઝરાયલના લોકો પર તેઓએ અઢાર વર્ષ સુધી જુલમ ગુજાર્યો.

9અને આમ્મોનીઓ યર્દન પાર કરીને યહૂદાની સામે, બિન્યામીનની સામે તથા એફ્રાઈમના ઘરનાંની સામે લડવા સારુ ગયા, જેથી ઇઝરાયલીઓ બહુ દુઃખી થયા.

10પછી ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પોકાર કરીને કહ્યું, "અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કેમ કે અમે અમારા ઈશ્વરને તજીને બઆલની પૂજા કરી છે."

11ઈશ્વરે ઇઝરાયલના લોકોને પૂછ્યું, "શું મેં તમને મિસરીઓથી, અમોરીઓથી, આમ્મોનીઓથી તથા પલિસ્તીઓથી,

12અને સિદોનીઓથી પણ બચાવ્યા ન હતા? અમોલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મારી આગળ પોકાર કર્યો અને મેં તમને તેઓના હાથમાંથી છોડાવ્યાં હતા.

13તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહિ.

14જાઓ અને તમે જે દેવોની પૂજા કરી તેઓને પોકારો. જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તેઓ તમને બચાવશે.

15ઇઝરાયલના લોકોએ ઈશ્વરને કહ્યું, "અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે તમે અમને કરો. પણ કૃપા કરીને, હાલ અમને બચાવો."

16તેઓ જે વિદેશીઓના દેવોને માન આપતા હતા તેઓથી પાછા ફર્યા અને તેઓના દેવોનો ત્યાગ કરીને તેઓએ ઈશ્વરની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુઃખને લીધે ઈશ્વરનો આત્મા ખિન્ન થયો.

17પછી આમ્મોનીઓએ એકસાથે એકઠા થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલીઓએ એકસાથે એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી.

18ગિલ્યાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, "આમ્મોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલ્યાદમાં રહેનારાં સર્વનો આગેવાન થશે."


  Share Facebook  |  Share Twitter

 <<  Judges 10 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran