Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Philippians 3 >> 

1છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એકની એક જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી; કારણ કે તે તમારા રક્ષણને માટે છે.

2કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો.

3કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

4તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે;

5આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સબંધી ફરોશી,

6ધર્મના આવેશ સબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમના ન્યાયીપણા સબંધી નિર્દોષ.

7હોવા છતાં જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.

8વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાંનું નુકસાન સહન કર્યું અને તેઓને નકામા ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,

9અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય.

10એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના ઉત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,

11કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના ઉત્થાનને પહોંચું.

12હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું.

13ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને,

14ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.

15માટે આપણામાંના જેટલા પૂર્ણ છે, તેટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઇ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.

16તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ નિયમથી (ધોરણથી) આપણે ચાલવું જોઈએ.

17ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો.

18કેમ કે ઘણા એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, 'તેઓ ખ્રિસ્તના વધસ્તંભના શત્રુઓ છે.

19વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.

20પણ આપણા માટે તો, 'આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે ઉધ્ધારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ.

21તે, જે સામર્થ્યથી બધાંને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંના શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરના જેવું થાય.'


  Share Facebook  |  Share Twitter

 <<  Philippians 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran