Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Chronicles 26 >> 

1યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.

2અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું.

3ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.

4તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.

5ઝખાર્યાએ તેને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં ઉઝિયા ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.

6ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.

7ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.

8આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો.

9આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.

10તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણા કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણા જાનવર હતાં. તેણે દ્રાક્ષાવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.

11આ ઉપરાંત, ઉઝિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈયેલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે, રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.

12પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી.

13તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.

14ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા.

15તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.

16પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.

17અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.

18તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, "હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. ભક્તિસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ."

19પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.

20અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.

21ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.

22ઉઝિયાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.

23તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, "તે કુષ્ટરોગી છે." તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 26 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran