Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Samuel 12 >> 

1પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, "નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.

2ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં,

3પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.

4એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું."

5એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, "જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.

6તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ."

7પછી નાથાને દાઉદને કહ્યું કે, "તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, 'મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.

8મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત.

9તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.

10તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.'

11ઈશ્વર કહે છે કે, 'જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.

12કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.'"

13પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે, "મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે." નાથાને દાઉદને જવાબ આપ્યો કે, "ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે. તું માર્યો જઈશ નહિ.

14તોપણ આ કૃત્ય કરીને તેં ઈશ્વરનાં વૈરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જનમશે તે નિશ્ચે મરી જશે."

15પછી નાથાન ત્યાંથી પોતાના ઘરે ગયો. ઈશ્વરે દાઉદથી ઉરિયાની પત્નીને જે બાળક જનમ્યું તેને રોગિષ્ઠ કર્યું, તે ઘણું બીમાર હતું.

16દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.

17તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના દાસો તેની પાસે આવીને ઊભા રહ્યા, પણ તે ઊઠ્યો નહિ, તેણે તેઓની સાથે કશું ખાધું પણ નહિ.

18સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. હવે એ બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતાં દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે, "જુઓ, જયારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે તેને કહીએ કે, બાળક મરી ગયું છે, તો તે પોતાને શું કરશે?!"

19પણ જયારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે, "શું બાળક મરી ગયું છે?" તેઓએ જવાબ આપ્યો કે, "હા તે મરી ગયું છે."

20પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.

21પછી તેના ચાકરોએ તેને કહ્યું કે, "શા માટે તેં આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ જયારે બાળક મરી ગયું ત્યારે તેં ઊઠીને ખોરાક ખાધો?

22દાઉદે જવાબ આપ્યો, "જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો. મેં કહ્યું કે, "કોણ જાણે છે કે, ઈશ્વર મારા પર કૃપા કરીને બાળકને જીવતું રહેવા દે?

23પણ હવે તે મરણ પામ્યું છે, તો હવે શા માટે મારે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું છું? તે મારી પાસે પાછું આવશે નહિ પણ હું તેની પાસે જઈશ."

24દાઉદે તેની પત્ની બેથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બેથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા.

25તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ 'યદીદયા' રાખ્યું.

26હવે યોઆબે આમ્મોનીઓના રાજનગર રાબ્બા વિરુદ્ધ લડાઈ કરી. અને તેના કિલ્લાઓ કબજે કરી લીધા.

27પછી યોઆબે દાઉદ પાસે સંદેશાવાહકો મોકલીને કહ્યું કે, "હું રાબ્બા સામે લડ્યો છું અને મેં તે નગરનો પાણી પુરવઠો નિયંત્રિત કર્યો છે.

28તો હવે બાકીના સૈન્યને એકસાથે એકત્ર કર અને નગરની સામે છાવણી કરીને તેને કબજે કર, કેમ કે જો હું તે નગર લઈ લઈશ, તો તે મારા નામથી ઓળખાશે."

29તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો; તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું.

30દાઉદે ત્યાંના રાજા મોલોખનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો- તે મુગટ સુવર્ણનો હતો. તેનું વજન એક તાલંત સોના જેવું હતું, તેમાં મૂલ્યવાન રત્નો જડેલાં હતાં. તે મુગટ દાઉદને માથે મૂકવામાં આવ્યો. પછી તે નગરમાંથી મોટા પ્રમાણમાં લૂંટ લઈને બહાર આવ્યો.

31દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યા. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Samuel 12 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran