Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Corinthians 1 >> 

1કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે:

2ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો.

3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ.

4તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.

5કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.

6પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉધ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ [તમારામાં] આવે.

7તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.

8કેમ કે ભાઇઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.

9વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.

10તેમણે આવા મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે;

11તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણા અમારે માટે આભારસ્તુતિ પણ કરે.

12કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં અને વિશેષ કરીને તમારા સબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુધ્ધ મનથી વર્ત્યા.

13પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો.

14જે રીતે તમે અમને સ્વીકાર્યા, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.

15અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બીજું કૃપાદાન મળે;

16તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.

17તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઈરાદો હું રાખું છું તે શું બિનવિશ્વાસીઓ પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની 'હા' અને ના ની 'ના' હોય?

18પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમાર પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.

19કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનુસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા.

20કેમ કે ઈશ્વરનાં જેટલાં વચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.

21અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે;

22તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.

23પણ મારા જીવના સમ ખાઈને ઈશ્વરને સાક્ષી રાખું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;

24અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Corinthians 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran