Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Jeremiah 24 >> 

1યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને, યહૂદિયાના સરદારોને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન બનાવીને લઈ ગયો, ત્યારબાદ જુઓ, યહોવાહના સભાસ્થાનની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાહે મને દેખાડી.

2એક ટોપલીમાં તાજાં અને હમણાં જ પાકેલાં અંજીરના જેવાં બહુ સારાં અંજીર હતાં. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલાં અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.

3પછી યહોવાહે મને કહ્યું, "યર્મિયા તું શું જુએ છે?" મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ."

4પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે,

5"યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; ''યહૂદિયામાંથી જે લોકો બંદીવાસમાં ગયા છે. જેમને મેં અહીંથી ખાલદીઓના દેશમાં મોકલ્યા છે તેઓને હું આ સારાં અંજીર જેવા માનું છું.

6કેમ કે તેઓનું હિત કરવા સારુ હું મારી નજર તેઓની પર રાખીશ. અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. હું તેઓને બાંધીશ અને પાડી નાખીશ નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ.

7જ્યારે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે. ત્યારે મને ઓળખનારું, એટલે યહોવાહ હું તે છું, એવું ઓળખનારું હૃદય હું તેમને આપીશ. અને તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.

8યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે'' "તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના સરદારો અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ.

9હું તે લોકોને ભયંકર સજા કરીશ તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સઘળાં રાજ્યોમાં અહીંતહીં રઝળતા ફરશે. એ માટે હું તેઓને તજી દઈશ. જે જગ્યાઓમાં હું તેઓને હાંકી કાઢીશ ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ બનશે. ત્યાં લોકો તેઓને શાપ આપશે.

10જે ભૂમિ મેં તેઓને અને તેઓના પિતૃઓને આપી હતી. તે ભૂમિ પરથી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી હું તેઓના પર તરવાર, દુકાળ અને મરકી મોકલીશ.



 <<  Jeremiah 24 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran