Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 79 >> 

1હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.

2તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.

3તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ નથી.

4અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.

5હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?

6જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.

7કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.

8અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ, કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ.

9હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.

10વિદેશીઓ શા માટે એવું કહે છે કે, "તેઓના ઈશ્વર ક્યાં છે?" અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા લોહીનો બદલો વિદેશીઓને આપો.

11બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.

12હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે, તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો.

13જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું. પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.



 <<  Psalms 79 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran