Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  The Song of Songs 2 >> 

1હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.

2કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.

3જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચેે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.

4તે મને ભોજન કરવાને ઘરે લાવ્યો, અને તેની પ્રીતિરૂપી ધ્વજા મારા પર હતી.

5સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો અને સફરજનથી મને તાજી કરો; કેમ કે હું પ્રેમપીડિત છું.

6તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, અને તેનો જમણો હાથ આલિંગન કરે છે.

7હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.

8આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.

9મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.

10મારા પ્રીતમે મને કહ્યું, "મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.

11જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.

12ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.

13અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.

14હે ખડકની ફાટોમાં, પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, મને તારો ચહેરો જોવા દે, તારો અવાજ સાંભળવા દે. કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે."

15શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષાવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષાવાડી ફૂલોથી ખીલી રહી છે.

16મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.

17હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.



 <<  The Song of Songs 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran