Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Galatians 6 >> 

1ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્ર ભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.

2તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તના નિયમનું સંપૂર્ણ પાલન કરો.

3કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.

4દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજા કોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.

5કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.

6સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.

7યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;

8કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.

9તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.

10એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.

11જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.

12જેઓ દેહ વિષે પોતાને જેટલા સારા બતાવવા ચાહે છે, તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.

13કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.

14પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.

15કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.

16જેટલા આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલા પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા કૃપા હો.

17હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.

18ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.



 <<  Galatians 6 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran