Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 41 >> 

1શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને તેને પકડવાના આંકડાથી પકડી શકે છે? અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?

2શું તું તેના નાકને વીંધી શકે છે, અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?

3શું તે તારી સમક્ષ આજીજી કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?

4શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે?

5તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?

6શું માછીઓ તેનો પાર કરશે? શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?

7શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય અથવા શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?

8તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.

9જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?

10તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી. તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?

11તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી.

12તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.

13તેના કપડાંને કોણ ઉતારી શકે છે? કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે?

14તેના દાંત જે લોકોને બીવડાવે છે, એવા દાંતવાળા તેના મુખના દરવાજા કોણ ખોલી શકે?

15તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે, તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સજ્જડ છે.

16તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે, કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી.

17તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ.

18તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે; તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે.

19તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.

20ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.

21તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે; તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.

22તેની ગરદનમાં બળ છે, તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે

23તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી.

24તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.

25જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે; અને બીકને કારણે તેઓ ભાગી જાય છે.

26જો તેને કોઈ તરવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.

27તેની આગળ લોખંડ ઘાસ જેવું, અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.

28બાણ પણ તેને નસાડી શકતું નથી; પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.

29લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે; અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.

30તેના પેટની ચામડી ઠીકરા જેવી કઠણ છે; અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.

31અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.

32તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.

33પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.

34તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે.”



 <<  Job 41 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran