Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Timothy 1 >> 

1ખ્રિસ્ત ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ.

2ઈશ્વર પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો.

3વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.

4તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં;

5કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.

6માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.

7કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.

8માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર.

9તેમણે આપણો ઉધ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યા. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી;

10પણ આપણા ઉધ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે;

11મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.

12એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.

13જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.

14જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.

15તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.

16પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ;

17પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો.

18(પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.



 <<  2 Timothy 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran