Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Thessalonians 3 >> 

1હવે ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;

2અમે આડા તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે કંઈ બધા જ માણસો વિશ્વાસ કરનારા હોતા નથી.

3પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટતાથી તમને બચાવશે.

4તમારા વિષે અમે પ્રભુમાં એવો ભરોસો રાખીએ છીએ કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.

5ઈશ્વરના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ પ્રભુ તમારાં હૃદયોને દોરો.

6હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે હરેક ભાઈ આડો ચાલે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.

7અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો; કેમ કે અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.

8કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;

9અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.

10જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.

11કેમકે તમારામાંના કેટલાએક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ ઘાલમેલ કરે છે એવું અમને સાંભળવા મળે છે.

12હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કર્યો હતો કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.

13પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.

14જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.

15તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ ગણીને તેને ચેતવો.

16હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.

17હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.

18આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમો સર્વ પર હો.



 <<  2 Thessalonians 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran